Br Rasikbhai Shah

અનન્ય ઉપાય

- બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ શાહ

Br Rasikbhai in USA.jpg

ધર્મ એટલે સ્વરૂપનો બોધ પામવો. સ્વરૂપનો આવિર્ભાવ કરવો. સ્વરૂપમાં સ્થિર રહેવું. સ્વરૂપસ્થ થવું. એ માટે સાક્ષીભાવ, દષ્ટાભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવો અત્યંત જરૂરી છે.

સાક્ષીભાવ-દષ્ટાભાવ : આપણા જીવનમાં જે કંઈપણ બને તેના માટે કોઈ પ્રતિ ક્રોધ નહીં, કોઈ પ્રકારની પ્રતિક્રિયા નહીં એ સાક્ષીભાવની પ્રક્રિયા છે. તે દ્વારા મનથી મુક્ત થવાય છે અને સ્વરૂપમાં સ્થિર થવાય છે. સાક્ષીભાવ એટલે કર્તાપણાનો-ભોક્તાપણાનો અભાવ થવો. જ્ઞાતાદષ્ટાભાવમાં સ્થિર થવાનો અભ્યાસ કરતા રહેવું.

આ માટે બાહ્ય જગતમાં અને મનમાં જે પણ બની રહ્યું છે તેના પ્રત્યે સંપૂર્ણ સ્વીકારભાવ કેળવવો, પ્રતિકારબુદ્ધિનો ત્યાગ કરવો. ઘટનાઓ સાથે તાદાત્મ્યપણું થવાથી, એકતાપણું આવી જાય છે અને તેમાં કર્તાભાવ જાગૃત થઈ જાય છે. તેથી એમાં ફેરફાર કરવાની વૃત્તિઓ જાગી જાય છે. જે પરભાવથી છૂટવા નથી દેતી. તેથી જેમ જેમ સ્વીકારભાવ વધતો જશે તેમ તેમ પ્રતિક્રિયાઓ-પ્રતિકાર બુદ્ધિ ઓછી થવા માંડશે. ઘટનાનું માહાત્મ્ય અંદર ઘટવા માંડશે અને સાક્ષીભાવ-દૃષ્ટાભાવ મજબૂત બનતો જશે. સાક્ષીભાવ પ્રગટાવવાથી સ્વરૂપસ્થ થવું. સંભવિત બની જાય છે. નિશ્ચયથી તો આત્મા જ્ઞાયક સ્વભાવી છે, તેથી જેમ જેમ સ્વીકારભાવ, જ્ઞાયકભાવ પુષ્ટ થતો જશે તેમ તેમ સ્વરૂપ સન્મુખતા સધાતી જશે, આવિર્ભાવ પામતી જશે.

વિચારોના જ્ઞાતા-માત્ર જાણનાર : જેમ બાહ્યમાં બની રહેલ ઘટનાઓ પ્રત્યે સ્વીકારભાવ, સાક્ષીભાવ સાધવાનો છે એ જ રીતે મનમાં ઉદ્ભવતા વિચારપ્રવાહ પ્રત્યેપણ સાધવો જરૂરી છે. આ જ આપણી સાધના છે, મનમાં સતત વિચારો, વાસનાઓ , સ્મૃતિઓ, કલ્પનાઓ, યોજનાઓ, અપેક્ષાઓ ચાલતા હોય છે. અત્યારે તો આપણે વિચાર પ્રવાહ સાથે એવા જોડાયેલા છીએ કે, તે વિચારો આપણા સ્વરૂપથી ભિન્ન છે તેમ ખ્યાલ જ નથી આવતો પણ આપણે વિચારોનો પ્રતિરોધ ન કરીએ, વિરોધ ન કરીએ, ખરાબ વિચાર આવે તો પણ માત્ર તેને જાણ્યા જ કરીએ તો મનની પકડમાંથી છુટી શકાશે અને તો સ્વરૂપસ્થ થવામાં સરળતા રહેશે. આમ સ્વીકારભાવથી, સાક્ષીભાવથી જ સ્વરૂપસ્થ થવા રૂપ કાર્યની સિદ્ધિ થાય છે. વિચારો સામે તટસ્થ રહેવાથી, સ્વીકારભાવનો અભ્યાસ કરવાથી, સાક્ષીભાવમાં રહેવાથી કાર્યસિદ્ધિ થાય છે. સ્વીકારભાવ આવતાં જ પ્રતિરોધની ભાવના જ નાશ પામી જાય છે અને સાક્ષીભાવ પ્રગટી જાય છે, અમનની દશા પ્રગટે છે અને સ્વરૂપમાં સ્થિત થવાય છે. જયાં સુધી સ્વરૂપનો સાક્ષાત્કાર-સ્વાનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. એ સ્વાભાવિક ઘટના છે. સ્વરૂપસ્થ થવાથી જ સુખ મળે છે. ‘અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે.'

તેઓ હિંમતવાન છે કે જેઓ સદ્ગુરુએ બતાવેલા માર્ગે અટક્યા વિના ચાલવા માંડે છે. જ્ઞાનીપુરુષોએ નિષ્કારણ કરુણાથી કરેલો ઉપદેશ ઝીલીને જેઓ આંતરિક બાધાઓને હટાવી સાહસથી ચાલે છે. તેઓ જ પ્રાપ્ત થયેલા અવસરને ખરેખર સાર્થક કરે છે. ખરેખર જેઓ વિચારવાન છે, તેઓ આ જિંદગી એવી રીતે જીવે છે, જાણે કોઈ ધર્મશાળામાં રહ્યા હોય. જેઓ આ મળેલ જીવનને ધર્મશાળા જેવું જાણે છે. તે જ મોક્ષ તરફ આગળ જઈ શકે છે. અર્થાત્‌ આત્મા સાચી સંપત્તિની દિશામાં આગળ વધી જાય છે. જે આ જગતના પદાર્થોને અસાર સમજે છે, તે સારની શોધમાં લાગી પડે છે અને ‘અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે.' એમ સમજી તેની શોધમાં જીવન ઝુકાવી દઈને તેને પ્રાપ્ત કરી લે છે.

  • પ્રેષક : બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ શાહ, 

  • સદ્ગુરુ પ્રસાદ - સપ્ટેમ્બર - ૨૦૨૦